ચાલાકી એક એવી બાબત છે જે મનુષ્યને મધુર અનુભૂતિથી વંચિત રાખે છે .
ઝાંપામાં દાખલ થતો આદમી આખરે કોણ છે ? ઘણું ખરું તો એક અસભ્ય આદમી ઘર માં રહેતા એક અસભ્ય આદમીને મળવા જતો હોય છે . આવનાર આદમીના માથા પર એક અદ્રશ્ય ભારો હોય છે . એ પોતાના શુભ અશુભ ઈરાદાઓનો ભારો લઇને ઝાંપો ખોલતો હોય છે .ઝાંપા પાસે આવકારવા માટે આવેલો ઘરનો માણસ પણ માથે ઈરાદા ઓનો અદ્રશ્ય ભારો લઈને ઉભેલો હોય છે . આદમીની અવરજવર સાથે ઈરાદાની અવરજવર થતી જ રહે છે . બંને જણાને 'અસભ્ય' કહ્યા છે તેનું રહસ્ય એ છે કે બંને પાસે પોતાના ઈરાદા છુપાવવાની કળા હોય છે .નવા બનેલા મકાનોમાં consealed wiring અને consealed plumbing ની જેમ light દેખાય પણ wire ન દેખાય , પાણી પડતું દેખાય પણ pipe ન દેખાય. અસભ્ય આદમી એટલે consealed ઈરાદાનો ચાલાક માલિક, ઝાંપો વટાવીને ઘરમાં આવેલો માણસ ખુલીને વાત ન કરે . ઘરનો માલિક વાત કરે , પણ ઠલવાઈ ન જાય . બંને સ્મિત પ્રગટ કરે , પણ ઈરાદા તો અપ્રગટ જ રહી જાય . આવું બને તોય લોકો તો એમ જ કહેવાના કે એ બે જણા 'મળ્યા' . લોકોને ખબર નથી કે 'મળવું' એટલે શું ?
બસ આવા જ રિવાજ મુજબ માણસો મળતા રહે છે.
સામી વ્યક્તિને મળવું એ ખાવાના ખેલ નથી.
સીધે સીધી(Straight forward) વાત કરનાર આ દુનિયામાં , આ અસભ્ય સમાજમાં એકલો પડી જાય છે.
........ગુણવંત શાહ